Thursday, January 31, 2019

મારું મન મોર બની થનગાટ કરે | ઝવેરચંદ મેઘાણી

Mor bani thanaganat kare

મોર બની  થનગાટ  કરે,   મન મોર બની થનગાટ કરે
ઘનઘોર ઝરે ચહું ઓર મારું મન મોર બની થનગાટ કરે

બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને, મેઘમલાર ઉચારીને
આકુલ પ્રાણ કોને કલસાદ કરે
મન મોર બની થનગાટ કરે

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ  ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે નવ ધાન ભરી સારી સીમ ઝૂલે
નદીયું  નવજોબન  ભાન ભૂલે  નવ  દીન  કપોતની પાંખ ખૂલે
મધરા   મધરા  મલકાઈને   મેંડક   મેહસું   નેહસું  બાત  કરે
ગગને   ગગને   ઘૂમરાઈને   પાગલ  મેઘઘટા   ગરજાટ   ભરે
મન મોર બની થનગાટ કરે

નવ  મેઘ તણે  નીલ આંજણીએ મારાં  ઘેઘૂર નેન  ઝગાટ કરે
મારાં  લોચનમાં  મદઘેન  ભરે  વનછાંય  તળે  હરિયાળી પરે
મારો આતમ લહેર બિછાત કરે  સચરાચર  શ્યામલ ભાત ધરે
મારો  પ્રાણ  કરી  પુલકાટ  ગયો પથરાઈ  સારી  વનરાઈ પરે
ઓ રે મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન ઘેન ભરે
મન મોર બની થનગાટ કરે

ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ મહોલ અટારી પરે
ઊંચી  મેઘ  મહોલ અટારી  પરે  અને  ચાકમચૂર બે  ઉર પરે
પચરંગીન  બાદલ  પાલવડે  કરી  આડશ  કોણ  ઊભેલ અરે
ઓલી વીજ કેરે  અંજવાસ  નવેસર રાસ લેવા  અંકલાશ ચડે
ઓલી કોણ  પયોધર  સંઘરતી  વિખરેલ લટે  ખડી મે’લ  પરે
મન મોર બની થનગાટ કરે

નદી તીર કેરાં  કૂણાં ઘાસ પરે  પનિહારી એ  કોણ વિચાર કરે
પટકૂળ નવે  પાણી  ઘાટ  પરે  એની  સૂનમાં મીટ સમાઈ રહી
એની ગાગર  નીર તણાઈ રહી  એને  ઘર જવા  દરકાર  નહિ
મુખ માલતી ફૂલની કૂંપળ ચાવતી  કોણ બીજા  કેરું  ધ્યાન ધરે
પનિહારી  નવે  શણગાર  નદી  કેરે  તીર ગંભીર  વિચાર  કરે
મન મોર બની થનગાટ કરે

ઓલી  કોણ  હિંડોળ ચગાવત  એકલ  ફૂલ  બકુલની ડાળ પરે
ચકચૂર બની   ફૂલ ડાળ  પરે   વિખરેલ  અંબોડાના  વાળ ઝૂલે
દિયે  દેહ  નીંડોળ  ને ડાળ  હલે  શિર  ઉપર  ફૂલ ઝકોળ ઝરે
એની  ઘાયલ દેહના  છાયલ  છેડલા  આભ  ઊડી  ફરકાટ કરે
ઓલી  કોણ  ફંગોળ  લગાવત  એકલ  ફૂલ  બકુલની ડાળ પરે
મન મોર બની થનગાટ કરે

મોર બની થનગાટ કરે આજે મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે

તમરાંને  સ્વરે કાળી  રાત  ધ્રૂજે  નવ  બાદલને  ઉર આગ બૂઝે
નદી પૂર  જાણે  વનરાજ ગુંજે  હડૂડાટ કરી  સારી  સીમ  ભરી
સરિતા  અડી  ગામની   દેવડીએ   ઘનઘોર  ઝરે   ચહું   ઓર

મારું મન મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે

રચનાઃ ઝવેરચંદ મેઘાણી
ઓનલાઈન સાંભળવા નીચે ક્લિક કરો :

કન્યા વિદાય | અનિલ જોશી

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે
કેસરિયાળો  સાફો   ઘરનું  ફળિયું  લઈને  ચાલે

પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત
ડૂસકે ડૂસકે હડસેલાતી   બાળપણાની વાત

પૈડું સીંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે
શૈશવથી  ચીતરેલી  શેરી  સૂનકારમાં ડૂબે

જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે
ખડકી પાસે  ઊભો  રહીને અજવાળાને ઝંખે

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે
કેસરિયાળો  સાફો   ઘરનું  ફળિયું  લઈને  ચાલે
- અનિલ જોશી
ઓનલાઈન સાંભળવા નીચે ક્લિક કરો :

Wednesday, January 30, 2019

ગોવિન્દો પ્રાણ અમારો રે | મીરાબાઈ

ગોવિન્દો પ્રાણ અમારો રે

ગોવિંદો  પ્રાણ  અમારો રે,  મને  જગ લાગ્યો  ખારો રે
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે

મીરાંબાઈના  મહેલમાં રે હરિસંતનનો  વાસ
કપટીથી હરિ દૂર વસે મારા સંતન કેરી પાસ

રાણોજી  કાગળ  મોકલે  રે  દેજો  મીરાંને  હાથ
સાધુની સંગત છોડી દ્યો તમે વસોને અમારે સાથ

મીરાંબાઈ  કાગળ મોકલે રે  દેજો રાણાજીને હાથ
રાજપાટ તમે છોડી રાણાજી વસો રે સાધુની સાથ

વિષનો  પ્યાલો  રાણે  મોકલ્યો  રે   દેજો  મીરાંને   હાથ
અમૃત જાણી મીરાં પી ગયાં જેને સહાય શ્રી વિશ્વનો નાથ

સાંઢવાળા સાંઢ શણગારજે રે જાવું સો સો રે કોશ
રાણાજીના  દેશમાં  મારે  જળ  રે  પીવાનો  દોષ

ડાબો   મેલ્યો   મેવાડ   રે   મીરાં   ગઈ   પશ્ચિમમાંય
સરવ છોડીને મીરાં નીસર્યાં જેનું માયામાં મનડું ન કાંય

સાસુ  અમારી સુષુમણા  રે  સસરો પ્રેમ-સંતોષ
જેઠ જગજીવન જગતમાં મારો નાવલિયો નિર્દોષ

ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે રંગબેરંગી હોય
ઓઢું હું  કાળો કામળો  દુજો ડાઘ ન લાગે કોય

મીરાં  હરિની  લાડણી  રે  રહેતી  સંત-હજૂર
સાધુ સંગાતે સ્નેહ ઘણો પેલા કપટીથી દિલ દૂર
- મીરાંબાઈ

Tuesday, January 29, 2019

જય જય ગરવી ગુજરાત | કવિ નર્મદની રચના

જય જય ગરવી ગુજરાત

જય જય ગરવી ગુજરાત!
દીપો   અરુણું    પરભાત,

ધ્વજ  પ્રકાશશે  ઝળળળ  કસુંબી, પ્રેમ  શૌર્ય  અંકિત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સૌને, પ્રેમ ભક્તિની રીત -
ઊંચી  તુજ  સુંદર  જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં  કાળી માત,

છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ  ને  દ્વારકેશ, એ પશ્વિમ  કેરા દેવ-
છે   સહાયમાં   સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.

વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર;
પર્વત  પરથી  વીર  પૂર્વજો, દે  આશિષ  જયકર-
સંપે   સોયે   સૌ   જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે  સિદ્ધરાજ  જયસિંગ.

તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત!
શુભ શકુન દીસે  મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે  રાત.
જન  ઘૂમે  નર્મદા  સાથ,
જય જય ગરવી ગુજરાત.

- નર્મદ

જનનીની જોડ સખી નહીં જડે

જનનીની જોડ સખી નહીં જડે

જનનીની જોડ સખી નહીં જડે રે
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ
જગથી જૂદેરી એની જાત રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

અમીની ભરેલ એની આંખડી રે લોલ
વ્હાલનાં ભરેલાં એના વેણ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ
હૈયું હેમંત કેરી હેલ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ
શશીએ સિંચેલ એની સોડ્ય રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

જગનો આધાર એની આંગળી રે લોલ
કાળજામાં કૈંક ભર્યા કોડ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ
પળના બાંધેલ એના પ્રાણ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ
લેતા ખૂટે ન એની લહાણ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

ધરતી માતાએ હશે ધ્રૂજતી રે લોલ
અચળા અચૂક એક માય રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ 

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ
સરખો એ પ્રેમનો પ્રવાહ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ
માડીનો મેઘ બારે માસ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ 

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

- દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર

ઓનલાઈન સાંભળવા નીચે ક્લિક કરો :

એક જ દે ચિનગારી, મહાનલ! | હરીહર ભટ્ટ

એક જ દે ચિનગારી, મહાનલ!

એક જ દે ચિનગારી, મહાનલ!
એક જ દે ચિનગારી

ચકમક લોઢું  ઘસતાં ઘસતાં  ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ... એક દે ચિનગારી...

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી  એક સગડી મારી, વાત  વિપતની ભારી
મહાનલ... એક દે ચિનગારી...

ઠંડીમાં   મુજ  કાયા  થથરે, ખૂટી   ધીરજ   મારી
વિશ્વાનલ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ... એક દે ચિનગારી...
- હરિહર ભટ્ટ
ઓનલાઈન સાંભળવા નીચે ક્લિક કરો :

વૈષ્ણવજન તો તેને રે કહીયે | નરસિંહ મેહતા

વૈષ્ણવજન તો તેને રે કહીયે

વૈષ્ણવજન તો તેને  રે કહીયે  જે પીડ પરાઈ જાણે રે
પરદુઃખે ઉપકાર કરે તોયે  મન અભિમાન ન આણે રે
સકળ  લોકમાં  સહુને  વંદે   નિંદા  ન  કરે  કેની  રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે  ધન ધન જનની તેની રે

સમદ્રષ્ટિને   તૃષ્ણા   ત્યાગી   પરસ્ત્રી  જેને    માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે  પરધન નવ ઝાલે હાથ રે

મોહ માયા વ્યાપે નહિ જેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામનામશું તાળી રે વાગી  સકળ તિરથ તેના તનમાં રે

વણલોભી  ને  કપટ રહિત  છે  કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ ઈકોતેર તાર્યા રે
-નરસિંહ મહેતા
ઓનલાઈન સાંભળવા નીચે ક્લિક કરો :

ગુજારે જે શિરે

ગુજારે જે   શિરે  તારે  જગતનો નાથ તે સ્હેજે
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે

દુનિયાની  જૂઠી વાણી વિષે  જો  દુ:ખ વાસે છે
જરાયે  અંતરે  આનંદ  ના  ઓછો  થવા  દેજે

કચેરી  માંહી  કાજીનો   નથી  હિસાબ  કોડીનો
જગતકાજી  બનીને  તું  વહોરી  ના પીડા લેજે

જગતના  કાચના  યંત્રે  ખરી વસ્તુ નહિ  ભાસે
ન  સારા  કે  નઠારાની  જરાયે   સંગતે  રહેજે

રહેજે   શાંતિ  સંતોષે   સદાયે   નિર્મળે   ચિત્તે
દિલે જે  દુ:ખ  કે  આનંદ  કોઈને  નહિ  કહેજે

વસે  છે  ક્રોધ  વૈરી  ચિત્તમાં  તેને  તજી  દેજે
ઘડી  જાયે  ભલાઈની  મહાલ્રક્ષ્મી  ગણી  લેજે

રહે ઉન્મત્ત સ્વાનંદે  ખરું એ  સુખ  માની  લેજે
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો  પ્યાલો ભરી  લેજે

કટુ  વાણી  જો  તું  સુણે  વાણી મીઠી તું કહેજે
પરાઈ   મૂર્ખતા  કાજે   મુખે  ના ઝેર તું  લેજે

અરે  પ્રારબ્ધ  તો  ઘેલું  રહે  છે  દૂર માંગે તો
ન  માંગે  દોડતું આવે  ન  વિશ્વાસે  કદી રહેજે

અહો શું પ્રેમમાં રાચે? નહિ ત્યાં સત્ય તું પામે!
અરે  તું  બેવફાઈથી   ચડે   નિંદા  તણે  નેજે

લહે છે  સત્ય  જે સંસાર  તેનાથી  પરો  રહેજે
અરે એ  કીમિયાની જે મઝા છે  તે પછી કહેજે

વફાઈ તો નથી  આખી  દુનિયામાં  જરા દીઠી
વફાદારી  બતાવા  ત્યાં નહિ  કોઈ  પળે જાજે

રહી  નિર્મોહી  શાંતિથી રહે  એ સુખ મોટું  છે
જગત બાજીગરીના તું બધા છલબલ જવા દેજે

પ્રભુના  નામના  પુષ્પો  પરોવી કાવ્યમાળા તું
પ્રભુની પ્યારી  ગ્રીવામાં  પહેરાવી  પ્રીતે  દેજે

કવિરાજા  થયો  શી છે  પછી પીડા તને  કાંઈ
નિજાનંદે હમ્મેશાં  ‘બાલ’ મસ્તીમાં મઝા લેજે

-બાલાશંકર કંથારિયા

શિક્ષક અને વિદ્યાર્થી : એક અદભુત કહાની

એક શિક્ષક તરીકે અચુક વાચવા જેવી પ્રેરણાદાયી વાત
(જગતભરના શિક્ષકોને, માતા પિતાને કે જેઓ પ્રથમ શિક્ષકો છે અને જેમનો જીવ શિક્ષકનો છે એ તમામને આ લેખ અર્પણ)

નિશાળમાં પાંચમા ધોરણનો વર્ગ ચાલુ થવાનો હતો. બાળકોને નવા શિક્ષિકાબહેન માટે ઇંતેજારી હતી. બાળકો અને શિક્ષિકાબહેન બંને એકબીજા માટે નવાં હ્તાં. બેલ પડ્યો.
એક સુંદર બહેને વર્ગમાં પ્રવેશ કર્યો. એનું નામ મિસિસ થોમ્પ્સન. અભિવાદન થયું. સૌએ એકબીજાનો પરિચય આપ્યો. દરેક છોકરાના અવાજમાં ઉત્સાહ હતો. પણ ત્રીજી હરોળમાં બેઠેલો એક છોકરો કંઇપણ બોલ્યાચાલ્યા વિના બેઠો રહ્યો. લઘરવઘર વેશ અને કેટલાયે દિવસથી જાણે નાહ્યો ન હોય, કદાચ ગંધાતો પણ હોય એવા છોકરાને જોઇને ટીચરને સુગ ચડી ગઇ. એમણે એનું નામ જાણી લીધું, ટેડ. એના મનમાં ટેડ પ્રત્યે તિરસ્કાર ભરાઇ ગયો હતો.
ક્લાસમાં ટેડ મશ્કરીનું પાત્ર બની ગયો હતો. ટીચર પણ એને ઉતારી પાડવાનો એક પણ મોકો ચુકતા નહીં. શરુઆતમાં તો એ ટેડની પેપર તપાસતાં ખરાં પણ એકાદ બે વખત ટેડને ઝીરો માર્કસ આવ્યા પછી એમણે ટેડના પેપર પર પહેલે પાને મોટું લાલ મીંડુ મુકવાનું શરુ કરી દીધું. નાપાસની નિશાની કર્યા પછી જ પેપર જોતાં. ટેડના અક્ષરો પણ એટલા ગડબડિયા હતા કે ભાગ્યે જ કોઇ ઉકેલી શકે. વારંવાર નાપાસ થવા છતાં ટેડ જાણે કંઇ જ બન્યું ન હોય એમ વર્તતો. નીચું જોઇને બેસી રહેતો. આખો ક્લાસ અને ટીચર એની મજાક કરાતા હોય ત્યારે એ પગના અંગુઠાથી જમીન ખોતરતો રહેતો.
નિશાળના કાયદા પ્રમાણે દરેક વર્ગશિક્ષકે પોતાના દરેક વિદ્યાર્થીનો આગલા દરેક વરસનો રેકોર્ડ વાંચી જવો ફરજીયાત હતો. એક વખત પ્રિંસિપાલે મિ. થોમ્પ્સનને આ અંગે પૂછ્યું તો એમણે કહ્યું કે ટેડ સિવાય એમણે બધા વિદ્યાર્થીનો રેકૉર્ડ વાંચ્યો છે. પ્રિંસીપાલે ટેડનો રેકોર્ડ પણ જલ્દીથી વાંચી જવાની તાકીદ કરી.. આખરે એક રવિવારે એમણે ટેડનો રેકોર્ડ હાથમાં લીધો.
ટેડના પહેલા ધોરણના વર્ગશિક્ષકે લખેલું કે ‘ટેડ એક ખુબ જ હસમુખો અને હોંશિયાર છોકરો છે. એના અક્ષર મોતીના દાણા જેવા છે. આટલો ઉત્સાહી અને જીવંત છોકરો વર્ગમાં બીજો એકેય નથી.એ કદાચ ભવિષ્યનો સિતારો છે. આઇ વિશ ઓલ ધ બેસ્ટ ટુ હીમ.’ મિસિસ થોમ્પ્પ્સનને આ વાંચીને નવાઇ લાગી, કારણ કે આજના ટેડ સાથે આ વાતનો કોઇ મેળ ખાતો નહોતો. એમણે આગળ વાંચવાનું શરુ કર્યું.
બીજા ધોરણના શિક્ષકે નોંધ કરી હતી કે ટેડ અત્યંત હોંશિયાર અને ચપળ છોકરો છે. દરેક વિદ્યાર્થીનો એ માનીતો છે. પણ પાછલા થોડાક દિવસથી એ બેધ્યાન બની ગયો છે. એનું કારણ એની માતાને છેલ્લા તબક્કાનું કેન્સર છે એ હોઇ શકે. સાંભળવામાં આવ્યા મુજબ એના પિતા દારુડિયા છે. એના ઘરની ખરાબ પરિસ્થિતિની એના પર અસર થઇ રહી છે.’ આ વાંચ્યા પછી મિસિસ થોમ્પ્સનને આઘાત લાગ્યો.
ત્રીજા વર્ગશિક્ષકની નોંધ હતી, ‘માતાના મૃત્યુથી ટેડ ભાંગી પડ્યો છે. આટલો નાનો બાળક હંમેશા ઉદાસ બેઠો રહે છે. ક્યારેક એકલો એકલો કંઇક બબડતો હોય છે. ક્યારેક એની આંખમાં આંસુ ભરેલાં હોય છે. એ કંઇ જ બોલતો નથી. કોઇ સાથે એ હવે વાત પણ કરતો નથી. ભણવાના પૂરા પ્રયત્ન છતાં એ ભણવામાં ધ્યાન આપી શકતો નથી. જો કોઇ યોગ્ય પગલાં નહીં લેવાય તો એવું બને કે એના કુમળા માનસને આ આઘાતમાંથી પાછું નહીં વાળી શકાય…’ આવા પીડાતા બાળક માટે પોતાનું વર્તન કેવું ખરાબ રહ્યું હતું ? મિસિસ થોમ્પ્સનને પોતાની જાત માટે શરમ આવવા લાગી હતી.
ચોથા ધોરણના શિક્ષકે લખ્યું હતું કે’ ટેડ કોઇપણ બાબતમાં રસ નથી લેતો. એનું જીવનતત્વ જાણે સાવ હણાઇ ગયું છે. સાંભળવા મુજબ એના પિતા હવે ઘરે પાછા નથી આવતા. અને બીજી કોઇ સ્ત્રી સાથે રહે છે. ઘરડી દાદી જોડે રહેતો ટેડ રાત્રે મોડે સુધી દાદીને મદદ કરવાને કારણે ક્લાસમાં કયારેક ઊંઘી જાય છે. એને હવે એક પણ મિત્ર નથી. સાવ જ એકલો એ ક્યારેક રડતો પણ હોય છે. એ કોઇની સાથે વાત પણ નથી કરતો. પોતાના શરીર કે વાળની દરકાર પણ નથી રાખતો. ભગવાનને હું પ્રાર્થના કરું છું કે ટેડને મદદ કરે…’
બસ આટલું વાંચતાં જ મિસિસ થોમ્પ્સન ચોધાર આંસુએ રડી પડ્યા. પહેલાં તો એમને પોતાની જાત માટે શરમ આવેલી પણ છેલ્લી નોંધ વાંચ્યા પછી તો એમને પોતાની જાત પર તિરસ્કાર છૂટ્યો. એક નાનકડા નિર્દોષ જીવને પોતે અજાણતાં જ કેવી ઇજા પહોંચાડી હતી ? ટેડ મેલોઘેલો હતો, લઘરવઘર હતો અને ગંધાતો હતો એ પોતે જોયું પણ એ શું કામ એવો હતો એ જાણવાની આ છ મહિનામાં કદી દરકાર ન કરી. એ ભણવામાં ઝીરો માર્ક્સ લાવતો હતો એ પોતે પેલા લાલ મોટા મીંડાથી સાબિત કર્યું હતું પણ એ છોકરો શું કામ નાપાસ થતો હતો એ જાણવાની ક્યારેય ઇચ્છા પણ નહોતી કરી. શું પોતે એક સાચા શિક્ષકને શોભે એવું કામ કર્યું હતું ખરું ? જરાય નહીં. ઉલટાનું પોતે તો સાવ વખોડવાલાયક કામ જ કર્યું હતું. રવિવારનો બાકીનો દિવસ એના આંસુ બંધ ન થયા.
બીજા દિવસનો સોમવાર નાતાલની રજા અગાઉનો છેલ્લો દિવસ હતો. એ દિવસે બધા બાળકો શિક્ષક માટે નાતાલની ભેટ લાવે એવો રિવાજ હતો. પાંચમા ધોરણના બાળકો પણ પોતાના શિક્ષકને ભેટ આપવા થનગની રહ્યા હતાં. બેલ વાગ્યો અને હળવા પગલે મિસિસ થોમ્પ્સન ક્લાસમાં દાખલ થયાં. આ છ મહિનામાં પહેલી વાર એમણે ટેડ સામે જોઇ સ્મિત કર્યું. પણ ટેડ તો સ્થિત્પ્રજ્ઞની જેમ કોઇ હાવભાવ વગર બેઠો રહ્યો.
બધા બાળકો એક પછી એક આવીને ‘મેરી ક્રિસમસ મિસિસ થોમ્પ્સન’ કહેતાં પોતાના હાથમાંથી રંગીન કાગળમાં વીંટાળેલા બોક્સ મિસિસ થોમ્પ્સનને આપતાં હતાં. ટેડ માથું ઝુકાવીને બેઠો હતો.. છેલ્લે ટેડ ઊભો થયો. એના હાથમાં કરિયાણાની દુકાનેથી આવેલી કથ્થાઇ કાગળની કોથળી હતી. ટેડે ડૂચાની જેમ એ કોથળીને પોતાના હાથમાં પકડી હતી. થોડુંક ચાલ્યા પછી એ મુંઝાયો. બધા છોકરાઓ એના હાથમાંની ગંદી કોથળી જોઇને હસતા એની મશ્કરી કરવા લાગ્યા.બંને હાથ વડે કોથળીને સજ્જડ પકડીને ટેડ મિસિસ થોમ્પ્સન પાસે પહોંચ્યો. નીચું જોઇને ખચકાતાં ખચકાતાં એણે હાથ લંબાવ્યો.
“મારા વહાલા દીકરા ! આ ભેટ આપવા બદલ તારો ખુબ ખુબ આભાર !” કહેતાં મિસિસ થોમ્પ્સને એના માથા પર પહેલી વાર સાચા દિલથી હાથ ફેરવ્યો. ટેડે પોતાની માતાના મૃત્યુ પછી કદાચ પહેલી વાર આવો પ્રેમાળ સ્પર્શ અનુભવ્યો હશે. એણે મિસિસ થોમ્પ્સનની આંખોમાં જોયું. એમાં પસ્તાવાના આંસુની ભીનાશ ઊભરી આવી હતી. ટેડની આંખમાં પણ આભારના હજાર શબ્દો લખાઇ ચુક્યા હતા. એ ઝડપથી ચાલીને પોતાની જગ્યાએ બેસી ગયો.
મિસિસ થોમ્પ્સને ટેડે આપેલી કથ્થાઇ so કાગળની કોથળી ખોલી. દરિયાકાંઠેથી વીણેલાં છીપલાંનો એક કઢંગો પાટલો (બ્રેસલેટ) એમાં હતો. ટેડે જાતે જ બનાવેલો. અમુક છીપલાં બનાવતાં જ તૂટી ગયેલાં એની સાથે હતી પોણી વપરાઇ ગયેલી પર્ફ્યુમની બાટલી. આખો વર્ગ આ વસ્તુઓને જોઇને હસવા લાગ્યો. પણ મિસિસ થોમ્પ્સને બધાંને ચૂપ કરી દીધાં. ટેડ સામે જોઇને વહાલથી પૂછ્યું, ‘ટેડ દીકરા સાચું કહું ? આટલી સરસ ભેટ મને ક્યારેય કોઇએ આપી નથી. બીજા બધાએ મને સ્ટોર્સમાં મળતી તૈયાર વસ્તુઓ જ આપી છે. પણ તેં તો મારા માટે ભેટ જાતે જ તૈયાર કરી છે ખરું ને ?” હકારમાં મસ્તક હલાવી ટેડ નીચું જોઇ ગયો.
એ દિવસે બાકીના દરેક પિરિયડમાં મિસિસ થોમ્પ્સને એ બ્રેસલેટ પહેરી જ રાખ્યું. એ સાંજે એમના ઘરના દરવાજાની નીચેથી એક પત્ર સરકીને અંદર આવ્યો. એમાં લખ્યું હતું કે ‘મારી માતાના મૃત્યુ પછી તમે પહેલી એવી વ્યક્તિ છો જેણે મને સાચું વહાલ કર્યું હોય. તમે સૌથી સારાં ટીચર છો. – ટેડ.’ વાંચીને મિસિસ થોમ્પ્સનની આંખમાં આંસુ આવી ગયાં. એમના દુખતા હૃદયને થોડીક શાંતિ મળી.
બીજે દિવસે ટેડ નહાઇને ક્લાસમાં આવ્યો હતો. એના વાળ પણ વ્યવસ્થિત હતા. પહેલી વખત કદાચ એણે ધોયેલાં કપડાં પહેર્યા હતા. ત્યાર પછીથી તો જાણે ઠૂંઠા ઝાડને વસંતનો વાયરો સ્પર્શી ગયો હોય એમ ટેડ ઝડપભેર ખીલવા લાગ્યો. મિસિસ થોમ્પ્સન પણ એનું ખાસ ધ્યાન રાખતાં ટેડનાં વખાણ કરવાની એક પણ તક જતી ન કરતાં. ટેડ નવમાસિક પરીક્ષામાં છઠ્ઠા નંબરે આવ્યો હતો અને વાર્ષિક પરીક્ષામાં પ્રથમ !! વરસના અંતે એ ક્લાસના વિદ્યાર્થીઓનો વિદાયસમારંભ યોજાયો ત્યારે ટેડ ખૂબ રડ્યો. મિસિસ થોમ્પ્સન પણ એટલું જ રડ્યાં. હવે ટેડ એમનો સૌથી વહાલો અને માનીતો વિદ્યાર્થી બની ચુક્યો હતો.
એક વરસ પછી મિસિસ થોમ્પ્સનને ટેડનો પત્ર મળ્યો. એણે લખ્યું હતું કે હજી એના માટે સૌથી શ્રેષ્ઠ ટીચર મિસિસ થોમ્પ્સન જ છે અને જિંદગીમાં એમને ક્યારેય નહીં ભુલી શકે.
સમય સરકતો ગયો. છ સાત વરસ પછી મિસિસ થોમ્પ્સન આ ઘટનાને લગભગ ભુલી જવા આવ્યાં હતાં. એવે વખતે ફરી એક વખત ટેડનો પત્ર આવ્યો. એણે લખ્યું હતું,’ મિસિસ થોમ્પ્સન, તમે મારી જિંદગીમાં સૌથી આદરણીય અને શ્રેષ્ઠ વ્યક્તિ આજે પણ છો. દાદીના મરી ગયા પછી મજુરી કરીને ભણતાં ભણતાં મેં હાઇસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો છે. આજે હું સમગ્ર બોર્ડમાં ત્રીજા નંબરે પાસ થયો છું. આ બધું તમારા વહાલ અને કાળજીનું પરિણામ છે. હું હંમેશા તમારો ઋણી રહીશ.’ આંસુભરી આંખે મિસિસ થોમ્પ્સન પત્ર સામે જોઇ રહ્યાં.
એ પછી પાંચ વરસ સુધી ટેડના કોઇ જ સમાચાર ન મળ્યા. બોર્ડની પરીક્ષા પછી એણે આગળ શું કર્યું એની એમને કંઇ જ ખબર નહોતી. એવામાં એક દિવસ એક સરસ મજાનું પરબીડિયું એમના દ્વાર નીચેથી સરક્યું. આ વખતે ‘તમે મારા જીવનના સૌથી આદરણીય વ્યક્તિ છો’ એથી વધારે વિગત નહોતી. ટેડ એમને જલ્દી મળવા આવશે એવું લખ્યું હતું. પણ પત્રમાં સહી બદલાઇ ગઇ હતી. પત્રને અંતે જ્યાં ‘ટેડ’ એમ લખતો હતો ત્યાં આ વખતે ડૉ. થીઓડોર એફ. સ્ટોડાર્ડ, એમ.ડી. એમ લખ્યું હતું. હા !! ટેડ હવે ડૉકટર બની ગયો હતો. મિસિસ થોમ્પ્સનની આંખમાંથી હર્ષાશ્રુ વહી રહ્યાં.
પત્ર મળ્યાના બે દિવસમાં જ સવારના આઠ વાગ્યામાં મિસિસ થોમ્પ્સનના ઘરની ડોરબેલ વાગી. દ્વાર ખોલીને જુએ છે તો સામે એક પડછંદ અને ફૂટડો યુવાન ઊભો હતો. એની સાથે એક રુપાળી યુવતી હતી. યુવાને પૂછ્યું, ‘ઓળખ્યો મને ?’ મિસિસ થોમ્પ્સન હજુ અવઢવમાં હતાં.
’હું ટેડ અને આ મારી વાગ્દત્તા !’ એટલું કહીને ટેડ મિસિસ થોમ્પ્સનના પગમાં પડી ગયો. ક્યાંય સુધી રડ્યા પછી ટેડે પોતાના લગ્નનું આમંત્રણ આપ્યું.
ત્રણ દિવસ પછી ટેડના લગ્નમાં મિસિસ થોમ્પ્સન આવ્યા ત્યારે ટેડે મિસિસ થોમ્પ્સનને પોતાની માતાની જગ્યાએ બેસાડ્યા. એમના શરીર પરથી આવતી પર્ફ્યુમની સુગંધ ટેડ ઓળખી ગયો. પોતે જે પોણી વપરાયેલી બાટલી મિસિસ થોમ્પ્સનને ભેટ આપી હતી એ જ !! એણે કહ્યું, ‘મેમ, આ સ્પ્રેની પોણી બાટલી મારી માએ વાપરેલી. બાકીની પા મેં તમને આપેલી. એટલે આ સુગંધથી મને લાગે છે જાણે મારી મા જ ત્યાં બિરાજે છે. મને ડૂમો ભરાઇ આવે છે પણ તમે જ એ વ્યક્તિ છો જેણે મને મારી જાત માટે આદર શીખવ્યો છે. મારામાં કંઇક સત્વ પડેલું છે અને હું પણ કંઇક કરી શકું છું એવો આત્મવિશ્વાસ તમે મારામાં જગાવ્યો છે…’ ટેડ આગળ ન બોલી શક્યો.
’ના બેટા, એવું નથી. હકીકતમાં તો તેં જ મને શીખવ્યું છે કે હું પણ કંઇક અદભુત કરી શકું છું. તું મળ્યો એ પહેલાં હું નિશાળની એક પગારદાર શિક્ષિકા માત્ર હતી. કેમ ભણાવવું જોઇએ એ તો મને તું મળ્યો પછી જ સમજાયું. ચોપડીઓમાં રહેલા વિષયોની સાથે બીજું કંઇક પણ ભણવા-ભણાવવાની દૃષ્ટિ તો તેં જ મને આપી. શિક્ષકની સાથે એક સારા માણસ બનવાનું તારું એ ઋણ હું ક્યારે ચુકવી શકીશ ?’ ટેડ એમના ચરણોમાં નમી પડ્યો. મિસિસ થોમ્પ્સને એને આશિર્વાદ આપવા હાથ લંબાવ્યો ત્યારે એમના હાથમાં પેલું તૂટેલા શંખલાનું બ્રેસલેટ હતું….. 

(From book :
‘મનનો માળો’)

Tuesday, January 22, 2019

માં બહું ખોટું બોલે છે | નાની હ્રદયસ્પર્શી કવિતા

મા બહુ ખોટું બોલે છે. 

સવારે જલદી ઉઠાડવા માટે છ વાગ્યા હોય તો કહે છે કે સાત વાગ્યા. 

રાત્રે નહાવા ન જાઉં તો કહે છે, ગંદા શરીરે સૂવાથી ખરાબ સપનાં આવે છે.

 તપેલીમાં શાક ઓછું હોય તો કહે છે, તું લઇ લે.મને ભૂખ નથી. 

મા બહુ ખોટું બોલે છે.

 મને મોડું થાય તો જાગ્યા કરે છે ને ઠપકો આપું તો કહે છે, એ તો મને ઊંઘ આવતી ન હતી. 

મા બહુ ખોટું બોલે છે

. હું ન હોઉં ત્યારે મને ભાવતું કંઈ તેનાથી બનતું નથી. કહે છે, આજકાલ બજારમાં એ મળતું નથી.

 બેચાર રોટલી આપું છું કહી એ મને મોટું ટિફિન પકડાવે છે. 
કંઈ નથી મૂકતી કહી મારી બેગમાં મને ભાવતાં અથાણાંની બોટલ છાનીમાની મૂકી દે છે. 

મા બહુ ખોટું બોલે છે.

 ત્રણ કલાક થિયેટરમાં મારાથી બેસાતું નથી. બહારના તેલમસાલા મને સદતાં નથી.
 આટલી સાડીઓ તો પડી છે કહી પોતાનો ખર્ચ ટાળે છે.

 મને સારું છે કહી ઓશિકામાં મોં છૂપાવી ખાંસી લે છે.

 મા બહુ ખોટું બોલે છે. 

મારી ખામીઓને બધાથી છૂપાવી લે છે. મારી પ્રાપ્તિને વધારીને વર્ણવે છે. કહે છે, મારા જેવું સુંદર ને બુદ્ધિશાળી કોઈ નથી. 

મારા માટે વ્રત ઉપવાસ કર્યા કરે છે પણ કહે છે કે એ તો હું ભગવાન માટે કરું છું.

 મારી દુનિયામાં હું તેને ભૂલી જાઉં તો મીઠું હસી લે છે. 

મા બહુ ખોટું બોલે છે.

Monday, January 14, 2019

પતંગ

પતંગ
          કહો કોઈ ઉત્તરાયણ ને, તું થોભી જા
         મારે લૂંટવી છે, પતંગ ની ખૂબ  મજા
        તું ચાલી જાય તો, અમને લાગે છે સજા!
            જુના દિવસો યાદ કરી, કરવું છે રાજ
           મેળવવું છે પાછું, મને બાળપણ આજ
           કોઈ ના આવેલા પતંગ, ઉડાડવા છે આજ!
      ખૂલ્લા પગે દોડી ને, લેવા જવા છે  પતંગ
       ઉઘાડા પગે દોડીને, કાપવા જવા છે પતંગ
       મેળવી ને બાળપણ, લોકો  ને કરવા છે તંગ!
          લાલ,પીળા,ભાત ભાત ના, ચગાવવા છે પતંગ
        રાતે ગુબ્બારો  રાખી ને, લૂંટવી છે આજ મજા
          તાર ને થાંભલા પર ઝૂલાવી, આપવી છે સજા!
     સુમસામ અગાસીઓ માં લાગે છે વસ્તી-વસ્તી
      મને થાય છે ચાલ પકડી લાવું, બે-ચાર  હસ્તિ
      "એ કાપ્યો" ની પાડી બૂમ, કરવી છે મોજ-મસ્તી!
         ઉત્તરાયણ ની મજા છે, પતંગ ની દોડાદોડી માં,
        પડો, આખડો, છોલાય, પતંગ ની ઝપાઝપી માં,
        એ યાદો ને લગાડી મલમ, પતંગ ની મજા માણવા દે!
          કહો ઉત્તરાયણ ને ,આજ નો દિવસ થોભી જાય
          સો દિવસ ની ભેગી મજા, એક દિવસ માં માણવી છે!!

જીવન પતંગ



પવનનાં પ્રવાહમાં તણાઈ જાઉં છું,
ક્યાંક લાગણીના ઝાળામાં રોકાઇ જાઉં છું.

બાંધીલે કોઇ મને લાગણીના દોરથી,
તો આનંદ ઉછરંગે હું રંગાઈ જાઉં છું.

નથી રહેતાં પગ પછી મારા જમીન પર,
પતંગ જેમ ગગનમાં છવાઇ જાઉં છું.

માંડે રમત જ્યારે કોઈ હાર જીતની,
દાવ જેમ દુઃખદ હું રમાઇ જાઉં છું.

ઘાટ એકેય ક્યાં હતો મારો જન્મ્યો ત્યારે,?
સમયની ઠોકરોથી ઘડાઈ જાઉં છું.

જીવી જાય છે દીપક હસતું મુખ રાખીને
ભીતરના છિદ્રોથી ઘવાય જાઉં છું

પતંગ


જિંદગી છે એક પતંગોત્સવ
સંબંધોની કાચી પાકી દોરી,
એક જોડાય ને એક તૂટે,
ક્યારેક પડે ગેરસમજો ની ગૂંચ અંદર
ક્યારેક તે ઊકલે તો ક્યારેક 
વધારે ગુંચવાય ને દોર તોડવી પડે ...
જિંદગી છે પતંગ જેવી,
સુખ દુખ ની દોરીઓ માં,
ક્યારેક ચડે ઉપર ક્યારેક પછડાય નીચે,
ઘડીક ગોથા ખાય ને ઘડીક હવામાં ચગે,
ફિરકી આવડે લપેટતા બરાબર 
સમજણથી, થોડી ધીરજ છતાં ઝડપથી,
લપેટાશે બરાબર દોર,
રાખજે સમજ ક્યારે દેવી ઢીલ
ને ક્યારે ખેંચવો પતંગ ,
આખરે જઈશું આકાશમાં,
ડોર પ્રભુ ના હાથમાં,
જિંદગી છે એક “પતંગોત્સવ”

હુ ય એક પતંગ હતો

હું ય એક પતંગ હતો,
                   ઢઢ્ઢા-કમાન વગરનો,
કોઈ આવ્યું અચાનક,
                  ઢઢ્ઢા-કમાન લગાવ્યા,
કિન્ના બાંધ્યા પ્રેમથી,
                ઉડવા લાયક બનાવ્યો,
ને પછી તો ભાઈ ભાઈ,
              હુંય ખૂબ ચગ્યો આકાશે,
સૂરજને આંબવા મથ્યો,
              આજુબાજુ પતંગ કાપ્યા,
મારાથી ઉંચો કોઈના હો,
                પતંગ આ જગમાં નભે,
પણ એક દી દોર મળ્યો ભારે,
             હું કપાયો બાજુના પતંગે,
કપાયો જયાં લાગણીનો દોર,
             પછડાયો હું નીચે પીઠભેર,
લૂંટાયો લોકો દ્વારા વારંવાર,
                 છેવટે થયો ખૂબ જીર્ણ,
સંધાયો,પૂંછડાયો વારંવાર,
              અટવાયો અંતે વીજ તારે,
છટપટતો છેવટે દેહ ત્યજવા,
             જોતો ઉંચે અનંત આકાશે,
છેવટે તો હું ય હતો એક પતંગ,
             ઢઢ્ઢા-કમાન વગરનો જ ને!

Wednesday, January 2, 2019

નવા વરસના સંકલ્પ

શું નવો સંકલ્પ લઉં હું આવનારા વર્ષમાં ?
એટલું ચાહું, વીતે એ અન્યના ઉત્કર્ષમાં

પ્રેમ, શ્રદ્ધા, લાગણી, સંવેદના, સંસ્કારિતા,
આટલું ભરચક રહે અસ્તિત્વ કેરા પર્સમાં

એકસરખી તો દશા કાયમ નથી રહેવાની, પણ
એકસરખું હો વલણ તકલીફમાં ને હર્ષમાં !

છો ખૂટી જાતું બધું જે કાંઈ છે ભેગું કર્યું,
એક બસ હિમ્મત ખૂટે નહીં આકરા સંઘર્ષમાં;

જિંદગી હારી ચૂકેલાને ફરી બેઠો કરું!
એટલી તાકાત પામું શબ્દમાં ને સ્પર્શમાં;

કૈંક તારું, કૈંક મારું, પણ બધું એનું જ છે;
આ ભરોસો, આ સમજ બસ કેળવું નિષ્કર્ષમાં.

હે માણસ તુ કઇ સારું કરજે

પાળવા તૈયાર હો તો બોલજે!
તર્ક નું લૈ ત્રાજવું તું  તોલજે!
શબ્દ સંવેદન નથી કૈં ઢોલ ભૈ!
ભેદ એના એ પછી તું ખોલજે!
શેરડી શી જિંદગી મીઠી જ છે!
સમજણે સંવાદ થી એ છોલજે!
ઝૂમવાનું ઘૂમવાનું ઠીક છે!
જાગતાં રહીને ભલે ને ડોલજે!
તોરણો કે અવસરો સારો સમય!
આવશે એવી ક્ષણે બસ શોભજે!
ઓશિયાળો વસંતે રહેશે નહીં!
પાનખર માં તક મળે તો કોળજે!
આવશે તક "નિત"જે ગૈ છે સરી!
બેસતો ના ચાલજે યા દોડજે!