Thursday, January 31, 2019

કન્યા વિદાય | અનિલ જોશી

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે
કેસરિયાળો  સાફો   ઘરનું  ફળિયું  લઈને  ચાલે

પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત
ડૂસકે ડૂસકે હડસેલાતી   બાળપણાની વાત

પૈડું સીંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે
શૈશવથી  ચીતરેલી  શેરી  સૂનકારમાં ડૂબે

જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે
ખડકી પાસે  ઊભો  રહીને અજવાળાને ઝંખે

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે
કેસરિયાળો  સાફો   ઘરનું  ફળિયું  લઈને  ચાલે
- અનિલ જોશી
ઓનલાઈન સાંભળવા નીચે ક્લિક કરો :

No comments:

Post a Comment